ભાવનગર, તા.૧૦
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તાર પાસે આવેલ મફતનગર વિસ્તારમાં શિતળા માતાના મંદિર પાસે રહેતા અજય ધકમશીભાઈ મકવાણા (ઉ.વ.રર) નામના યુવાનની મંગળવારે સવારે સ્થાનિક ડી ડિવિઝન પોલીસ મથકને લાશ મળી આવતાં પોલીસે સંબંધિત વિભાગોને જાણ કરી લાશનો કબજો લઈ તેના પરિવારજનોને વાકેફ કર્યા હતા અને તેના પરિવારજનો પાસેથી વિશેષ વિગતો લઈ પોલીસે કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી હતી. મૃતક યુવાન ગઈકાલ રાતનો ઘરેથી લાપત્તા હતો તેના પિતા ધરમશીભાઈનું કહેવું છે કે, તેનો પુત્ર દારૂ પીને કોઈ જગ્યાએ પડી ગયો હોય અને ત્યારબાદ ઠંડીના કારણે ઠુઠવાઈ જવાથી તેનું મૃત્યુ થયું હોઈ શકે. જો કે, આ મામલે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ વિશેષ વિગતો બહાર આવશે તેવું પોલીસનું કહેવું છે.