(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
બોટાદ જિલ્લાના રંઘોળા નજીક જાનની ટ્રક નાળામાં પડી જતા ૩૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૪પ જેટલા લોકો ઘવાયા હતા. આ ઘટનામાં ઈજા પામેલા લોકોને શિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોને લોહીની જરૂર પડતાં મુસ્લિમ યુવાનો પણ લોહી આપવા ઉમટી પડતા માનવતાની અનેરી મિશાલ પ્રજ્વલ્લિત થઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે ઘાયલોના સગાસંબંધીઓ માટે મુસ્લિમ સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરી હતી. ભાવનગર જિલ્લામાં મોટો અકસ્માત થયો છે જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે અને અનેક ઘવાયા છે. ઘાયલોને ભાવનગરની સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એવી જાણ થતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે ઈજાગ્રસ્તોને લોહીની સખત જરૂર છે એટલે સેવાભાવી લોકોએ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી જઈ રક્તદાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો પણ જોડાયા હતા. આ ઉપરાંત અકવાડા મદ્રસામાં અભ્યાસ કરતા યુવાનો અને હુસૈની કમિટીના યુવાનો પણ રક્તદાન કરવા ઉમટી પડતા મુસ્લિમ સમાજે જાણે સેવાનો શામિયાણો શરૂ કર્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
ભાવનગરના મુસ્લિમ યુવાનોએ પણ રક્તદાન કરવા લાઈન લગાવી

Recent Comments