ભાવનગર, તા.૧૧
રાજપરા ગામે દીપડાના હુમલામાં બાળકીનાં મોતની ઘટનાથી સૌ હચમચી ગયા છે અને લોકોની સુરક્ષાનું શું ? તેવા પ્રશ્નો ઉઠ્યા છે. આથી ફોરેસ્ટ વિભાગના આરએફઓ એમ.કે. વાઘેલા, મહિલા અધિકારી પ્રવિણાબેન અને સમગ્ર સ્ટાફે જૂના રાજપરા ગામે દોડી જઈ ઘટતું કરવા ખાત્રી આપી હતી. આ તકે આગેવાનો રોષ સાથે તડાપીટ બોલાવી હતી. રાત્રે ખેડૂતો વાડીએ જતા ડરી રહ્યા છે બાળકોને બહાર નિકળવા પણ નથી દેતા એટલા ભયભીત થઈ ગયા છે જંગલી જાનવરો ગમે ત્યારે પશુઓ અને માનવ ઉપર હુમલો કરી રહ્યા છે. આ બનાવમાં લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને મોત પણ નિપજ્યા છે. આના માટે જવાબદાર કોણ ? તેવા આકરા સવાલો કરવામાં આવ્યા હતા અને મહિલાઓ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તકે ફોરેસ્ટ ઓફિસર આરએફઓ વાઘેલાએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી અને જણાવ્યું હતું કે, સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને પ્રશ્નો ઉકેલવામાં આવશે. બાળકીના પરિવારને તાકીદે ચાર લાખની સહાય મળે તે માટે પ્રયાસ કર્યા હતા.