ભાવનગર,તા.પ
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાનની નજીવી બાબતે ત્રણ શખ્સોએ ધોકાના ઘા ઝીંકી હત્યા કરતાં બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ત્રણ પૈકી એક સગીર વયના આરોપીને ઝડપી લીધો હતો.
ભાવનગરના સુભાષનગરમાં રહેતા અમીતભાઈ ભરતભાઈ ચૌહાણ અને તેના મિત્ર બાલાભાઈ પ્રફુલભાઈ રાઠોડ વર્ષા સોસાયટી રોડ પર રીક્ષામાં બેસીને જતાં હતાં તે દરમ્યાન બાઈકમાંથી ઉતરીને ચાલતા જતાં તેના મિત્રને રિક્ષામાં બેસવાનું કહેતા ત્રણ અજાણ્યા બાઈકસવારોએ બોલાચાલી કર્યા બાદ થોડી વારમાં ધોકા સાથે ધસી આવી અમીતભાઈ પર હુમલો કર્યો હતો.
હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત અમીતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે બી- ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી હત્યામાં સામેલ એક સગીર આરોપીને ઝડપી લીધો હતો.