ભાવનગર,તા.૬
ગત તા.રરમીની મોડી સાંજે ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર ડો.માલતીબેનના મકાનમાં પાંચથી છ અજાણ્યા શખ્સોએ ઘૂસી જઈ મકાનમાં રહેલા ચોકીદાર વિનોદ પરમારનું ગળુંદબાવી હત્યા કરી કબાટમાંથી રોકડ રકમ, દાગીના સહિત તિજોરી અને પટાંગણમાં રહેલ કાર સહિત કુલ રૂા.૬પ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી થોડા દિવસ પહેલા આ ગુનામાં સંડોવાયેલા આરોપી ધવલ શંકરભાઈ સોલંકી રહે.શાસ્ત્રીનગર સોસાયટી, ફુલસર, નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે પોલીસ પુછપરછ દરમ્યાન અન્ય આરોપીઓ વિપુલ વાસુર મકવાણા, મુન્ના દાનાભાઈ મેર, અજય ઉર્ફે સુરેશ ઉર્ફે સુરો જીવરાજ, વિપુલ ભરવાડ અને અન્ય એક ભરવાડ શખ્સના નામો પોલીસ તપાસમાં ખુલ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પણ પોલીસે ઉઠાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એલ.સી.બી. પોલીસે ત્રણ શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.