ભાવનગર, તા.૯
ભાવનગર શહેરમાં આવેલી નૂરે મોહંમદી મસ્જિદનું સમારકામ ચાલી રહ્યું હતું તે વખતે બપોરના સુમારે અચાનક મસ્જિદનો ઉપરનો ભાગ ધડાકાભેર તૂટી પડતાં મસ્જિદમાં રહેલા છથી સાત લોકો દટાઈ ગયા હતા. આ સમાચાર ફેલાવાને પગલે લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં અને કાટમાળમાંથી દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી આરંભાઈ હતી. જેમાં કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયેલ કડિયા કામ કરતા આસીફ ઉસ્માનભાઈ શેખનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ઘાયલો સારવાર હેઠળ છે; આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી અન્ય બેથી ત્રણ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હોવાની વિગતો સાંપડી છે.
ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા મહાન ઓલિયા હઝરત મોહંમદશા બાપુ (ર.અ.)ના સંકુલમાં આવેલી નૂરે મોહંમદી મસ્જિદનું સમારકામ કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું. દરમિયાન આજે જુમ્માની નમાઝમાં ચારસો-પાંચસો વ્યક્તિઓએ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ બપોરના ૩.૩૦ કલાકના સુમારે ધડાકાભેર મસ્જિદની ઉપરનો ભાગ અચાનક તૂટી ગયો જેના કારણે કડિયાકામ કરતા મજૂરો કે જે બપોરના સમયે મસ્જિદમાં આરામ કરતા હતા અને અન્ય કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. મુસ્લિમ સમાજના અનેક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ અને ફાયરની ટીમો પણ કામે લાગી હતી. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી કાટમાળ નીચે દટાયેલા ઈસુફખાન નસીબખાન પઠાણ, આસીફ મુન્નાભાઈ, અમીરૂલ્લાહ મોહબતભાઈ શેખ, રહેમતુલ્લાહ રહીમભાઈ શેખ, આસીફ ઉસ્માનભાઈ શેખને બહાર કાઢી સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા; જ્યાં આસીફ ઉસ્માનભાઈ શેખ કે જેઓ કડિયાકામ કરતા હતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે હજુ પણ નાનાભાઈ યુસુફભાઈ અને મોટાભાઈ (બડેમિયાં) જમાલભાઈ બુખારી મસ્જિદના કાટમાળ નીચે દટાયા હોઈ બચાવની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે ભાજપ-કોંગ્રેસ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરીમાં લાગ્યા હતા. જ્યારે જુમ્માની નમાઝ બાદ આ બનાવ બનતાં મુસ્લિમ સમાજ ઉપરથી મોટી આફત અલ્લાહે દૂર કરી છે તેવું સૌના મુખે ચર્ચાવા લાગ્યું છે.