સુરેન્દ્રનગર, તા.૨૮
સમગ્ર વિશ્વ અને ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસે પગપેસારો કર્યો છે અને ગુજરાતમાં ૪૪ કરતાં પણ વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે તેમજ ત્રણ વ્યક્તિના કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવતાં મોત પણ નિપજ્યા છે ત્યારે તાજેતરમાં ભાવનગર ખાતે કોરોના વાયરસને કારણે ૭૦ વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું હતું અને તેની મુસાફરીની વિગતો તપાસ કરતાં મૃતક વઢવાણ ખાતે થોડા દિવસો પહેલાં સંબંધીના ઘેર આવ્યો હોવાનું માલુમ પડતાં આરોગ્ય તંત્ર અને વહિવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને મૃતકના સંપર્કમાં આવેલ ૩ જેટલા ઘરોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં.
ભાવનગરના સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલ ઈન્ડિયા હાઉસ ખાતે રહેતાં ૭૦ વર્ષના વૃદ્ધની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતાં સારવાર દરમિયાન જ વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે દરમિયાન લોહીના નમૂનાને લેબમાં મોકલતાં કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવ્યો હતો. આથી આરોગ્ય તંત્ર સાવચેત બન્યું હતું અને મૃતકની છેલ્લા ૧૫ દિવસની મુસાફરીની હિસ્ટ્રી ચેક કરી હતી. તો માલૂમ પડ્યું કે, વૃદ્ધ વઢવાણ ખાતે સંબંધીના ઘેર આવ્યા હતાં અને થોડા કલાકો રોકાયા બાદ ભાવનગર પરત ફર્યા હોવાનું બહાર આવ્યું હતું.
આથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ સહિત આરોગ્ય અધિકારી પી.કે.પરમાર તેમજ પોલીસ તંત્રએ સંયુક્ત રીતે ચેકીંગ હાથ ધરી વઢવાણ ખાતે એકતા સેાસાયટીમાં રહેતા ત્રણ ઘરોનો કવોરન્ટાઈન કરી આરોગ્ય તંત્રએ લેબલ લગાવ્યા હતાં. જ્યારે ઘરમાં કામ કરતી મહિલાના ઘરને પણ કવોરન્ટાઈન કરવામાં આવ્યું હતું આમ કોરોનાથી દર્દીના મોત બાદ તેનો વઢવાણ ખાતે અમુક પરિવારો સાથે સંપર્ક થયો હોવાનું ધ્યાને આવતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.