ભાવનગર, તા.૧૪
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો વિશાલ રમેશભાઈ મકવાણા નામના શખ્સે ધો.૧રમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક તરફી પ્રેમ કરતો હોય છેલ્લા કેટલાક સમયથી તે તેનો પીછો કરી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. દરમ્યાનમાં ગત મોડી સાંજે ચિત્રા રેલવે કોલોની નજીકથી પસાર થઈ રહેલી વિદ્યાર્થિનીનો વિશાલ મકવાણાએ બાઈક પર પીછો કરી તેણીને અટકાવી પ્રેમ સંબંધ બાંધવાનું કહેતા તેણીએ ઈન્કાર કરી દેતા ઉશ્કેરાયેલા વિશાલે પોતાની પાસે રહેલી છરી તેણીના પેટ તેમજ છાતીના ભાગે આડેધડ ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. મોડી સાંજે બનેલી ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી તો બીજી બાજુ યુવતીને લોહિયાળ હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીની સ્થિતિ ગંભીર રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.આ ઘટના અંગે તેણીની માતા દ્વારા ‘ડી’ ડિવિઝન પોલીસ મથકમાં વિશાલ રમેશભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ‘ડી’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. કેવલ રાવલે વિશાલ મકવાણાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાનમાં આરોપી વિશાલ મકવાણા પોલીસથી હાથવેંતમાં હોવાનું અને સાંજ સુધીમાં ઝડપાઈ જવાનું વિશ્વસનીય સૂત્રોથી જાણવા મળ્યું હતું.
ખૂંટિયાએ અડફેટે લેતાં વૃદ્ધાનું મોત
ભાવનગર શહેરના સરદારનગર પ૦ વારિયામાં રહેતા શારદાબેન કાનજીભાઈ મકવાણા (ઉ.વ.૮૦)ને ગત તા.૭મીના રોજ પોતાના ઘર પાસે ખૂંટિયાએ અડફેટે લેતાં તેમને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સર ટી.હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતા. જ્યાં આગળ ચાલુ સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નિપજ્યું હતું.
ઘોઘાના કંટાળા ગામે અકસ્માતે કૂવામાં પડી જતાં વૃદ્ધાનું મોત
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કંટાળા ગામે રહેતા મલુબેન દુદાભાઈ જાંબુચા (ઉ.વ.૯પ) ગતા તા.૧૩મીના રોજ વાડીમાં આવેલ કૂવામાં અકસ્માતે પડી જતાં તેમને ગંભીર હાલતે સારવાર અર્થે અત્રેની સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરી ઘોઘા પોલીસ તરફ રવાના કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.