(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૧૨
ભાવનગરમાં રમતા બાળક સાથે એક અજીબોગરીબ બનાવ બન્યો છે. એક વર્ષીય બાળકે રમતા-રમતા કૂકરમાં પોતાનું માથુ ફસાવી લેતા સ્વજનોમાં ઉહાપોહ મચી ગયો હતો. જો કે, શહેરની સર.ટી. હોસ્પિટલના તબીબોને ૪૫ મિનિટની મહેનતના અંતે બાળકના માથામાં ફસાયેલ કૂકરને કાઢવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયાંશી ધાર્મિકભાઈવાળા (ઉ.વ.૧, રહે. પિછલા શેરી, ભાવનગર)એ રમતમાં પ્રેશર કૂકર પોતાના માથામાં ફસાવી લીધું હતું. ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતા કૂકર ન નીકળતા, બાળકને શહેરની હોસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યો હતો. ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વક ૪૫ મિનિટની સઘન મહેનતના અંતે તે બાળકના માથામાંથી કૂકર કાઢવામાં સફળ રહ્યા હતા. આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર ડૉ. મેહુલ ગોસાઈ, ડૉ. ઉન્નતિ શાહ, ડૉ. આદિત્ય નિખિલઈશ્વર, ડૉ. પ્રત્યુશ જૈન, એડમીન હાર્દિકભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલની આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના પલ્સ, ઓકસિજન લેવલ સહિતની આરોગ્ય તપાસનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને બાળકને બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું.