ભાવનગર, તા.૨
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનાં શુક્રવારનાં વિરામબાદ શનિવારનાં દિવસે એક સાથે ૬ કોરોનાં વાયરસનાં પોઝીટીવ કેસો નોંધાતા ભાવનગરમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા અબતક ૫૬ પર પહોંચી છે. જા કે ભાવનગર જિલ્લાને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કોરોના વાયરસનાં વધતાં જતાં કેસોથી તંત્રની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. જ્યારે પાંચ વ્યક્તિઓ કોરોના વાયરસની જંગ હારી ચુક્યા છે. તદ્‌ઉપરાંત ૨૨ વ્યક્તિઓ કોરોના વાયરસને મ્હાત આપી ચૂક્યા છે. હાલ ૨૯ વ્યક્તિઓ આઇશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આજે મોતીતળાવ વિસ્તારમાંથી કેસ આવતા કલેક્ટર, કમિશ્નર, ડીડીઓ, એસ.પી. સહિત મોતી તળાવ ખાતે દોડી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં શુક્રવારનાં દિવસે કોરોના વાયરસનો એકપણ કેસ નોંધવા પામ્યો ન હતો ત્યારે તંત્ર એ રાહતનો દમ લીધો હતો. પરંતુ શનિવારનાં દિવસે એક સાથે પાંચ કેસો કોરોના વાયરસનાં પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દિવસે દિવસે કોરોના વાયરસનાં વધતાં જતાં કેસોથી ભાવનગરનાં વહિવટી તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ભાવનગર ને હાલ રેડ ઝોનની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. તેની સાથો સાથ ૧૭ મે સુધી લોકડાઉન પણ લંબાવવામાં આવ્યું છે. તદ્‌ઉપરાંત ગુજરાતમાં અમદાવાદમાં પણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોનીં સંખ્યામાં પણ ઉછાળો નોંધાઇ રહ્યો છે.