(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૯
કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ભાવનગરમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યામાં કેસોની ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં એક સાથે કોરોના વાયરસનાં ૮ કેસો નોંધાતા કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ૯૨ પર પહોંચી છે. મુંબઇથી ૨૫ સભ્યો ભાવનગર આવી પહોંચતા તમામને કોરોન્ટાઇન કરી સેમ્પલ લેવાતા સાત વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે સિહોરના જલુના ચોકમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એક જ પરિવારના પાંચમા સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમ કુલ મળી ભાવનગરમાં પોઝિટિવની સંખ્યા ૯૨ પર પહોંચી છે, જ્યારે ૬ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. ૨૯ વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ ૫૩ વ્યક્તિઓ કોરોના વાયરસની સારવાર આઇસોલેશન વોર્ડ ખાતે લઇ રહ્યા છે.

નિરૂ પટેલ બોર્ડિંગ કોવિડ-૧૯ કેર સેન્ટરમાં ફેરવાશે

ભાવનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન- પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે પેશન્ટની સંખ્યા વધવા લાગે તેવા સમયમાં પહોંચી વળવા માટે ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલ નિરૂ પટેલ બોર્ડિંગને કોવીડ-૧૯ કેસ સેન્ટર એટલે કે કોરોના સારવાર કેન્દ્ર બનાવવામાં આવશે. આ બોર્ડિંગમાં ૬૦ દર્દીઓ સારવાર લઇ શકે તેવા ૬૦ બેડ તૈયાર કરવામાં આવશે. વહિવટી તંત્ર દ્વારા આ બોર્ડીગને પહેલેથી જ આઇડેન્ટીફાઇ કરી લેવામાં આવે આ બોર્ડિંગ ખાતે ૬૦ દર્દીઓ સારવાર લઇ શકે તેવી કોવીડ-૧૯ કેર સેન્ટર બનાવવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.