(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૩
સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસનાં કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ વાયરસને અટકાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં માનવભક્ષી રાક્ષસ પર કાબુ મેળવાયો નથી કોરોના વાયરસને નાથવાનાં પ્રયાસ રૂપ સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. સોશ્યલ ડીસ્ટન્સીંગથી જ આ માનવભક્ષી વાયરસનો ચેપ આગળ જતો અટકશે. તંત્ર દ્વારા વારંવાર લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. માનવભક્ષી કોરોના વાયરસે ગુજરાત સહિત ભાવનગરમાં પણ પ્રસરી રહ્યો છે. દિલ્હીનાં નિઝામુદ્દીન એરીયાની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતાં ભાવનગરનાં ૭૦ વર્ષનાં વૃદ્ધનું કોરોના વાયરસ પોઝીટીવનાં મુત્યુની ઘટનાં બાદ તેમના સંપર્કમાં આવેલા ચેપગ્રસ્ત દર્દીઓનું કલસ્ટર વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં કોરોનાં ૬ કેસ નોધાયા હતા. ત્યારબાદ ગુરૂવારની સાંજે વૃદ્ધનાં સંપર્કમાં આવેલા ૨૭ વર્ષનાં યુવાનને કોરોના પોઝીટીવ આવતાં કોરોનાં પોઝીટીવનાં કુલ ૭ કેસો થયા છે. તેમજ ૨ વ્યક્તિઓનાં મોત થઈ ચુક્યા છે. તેમજ ૧૫ વ્યક્તિઓનાં લેવામાં આવેલા સેમ્પલો નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.