ભાવનગર, તા.૩
કોરોના કહેરની વચ્ચે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ ૭૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ પહેલાં ૧૦ જુલાઈના રોજ એક જ દિવસમાં ૭૧ કેસ સામે આવ્યા હતા. ગઈકાલે ભાવનગર કોર્પોરેશનની હદમાં ૪૬ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૬ પોઝિટિવ કેસ આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૧૫૧૯ થઈ ગયા છે. ગઈકાલે ભાવનગર શહેરમાં કુલ ૪૬ કેસ સામે આવ્યા હતા જેમાં ૨૯ પુરૂષ અને ૧૭ સ્ત્રીને કોરોનાને ચેપ લાગ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, અધેવાડા ગામ ખાતે ૨, કોબડી ગામ ખાતે ૧, ગારિયાધાર તાલુકાના સાતપડા ગામ ખાતે ૧, ગારિયાધાર ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર ખાતે ૧, તળાજાના પાંચપીપળા ગામ ખાતે ૯, તળાજા ખાતે ૧, નેસીયાગામ ખાતે ૧, દેવલીગામ ખાતે ૧, જસપરાગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, ઉમરાળાના ઈંગોરાળાગામ ખાતે ૧, વલ્લભીપુરના હડિયાદગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૬ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ ગઈકાલે ભાવનગર જિલ્લામાં કુલ ૬૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી જેમાં શહેરમાં ૩૬ લોકો અને ગ્રામ્ય વિસ્તારના ૨૭ એમ કુલ ૬૩ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવના એક દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત સિહોરમાં શહેરી વિસ્તારમાં ૪૦ વર્ષના એક પુરૂષનું કોરોના પોઝિટિવ બાદ આજે મોત થયું હતું, આમ ભાવનગરમાં અત્યારે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૫૧૯ છે, જેમાંથી ૪૫૪ દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૦૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૨૮ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.