ભાવનગર, તા.૮
સમગ્ર રાજયભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે આજે ગુજરાત રાજયમાં કોરોનાનાં વધુ ૪ પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે જેમાં ભાવનગરનાં બે દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવનગરમાં પોઝીટીવની સંખ્યા ૧૬ થવા પામી છે.
ભાવનગરમાં કોરોનાની મહામારીને નાથવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર શહેરનાં પાંચ વિસ્તારો કલસ્ટર કરવામાં આવ્યા છે અને ડોકટરની ટીમો, વહિવટી તંત્ર તથા પોલીસ કાફલો સતત કામગીરી કરી રહ્યો છે. શહેરમાં ગઈકાલ સુધી કોરોના વાયરસના ૧૪ પોઝીટીવ દર્દીઓ હતા અને વધુ લોકોનાં સેમ્પલો પરીક્ષણ માટે મોકલાયેલા છે. જે પૈકી આજે વધુ બે વ્યકિતનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. શહેરનાં સાંઢીયાવાડ, રૂવાપરી રોડ, માણેકવાડી સહિતનાં વિસ્તારોમાંથી પોઝીટીવ દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરીને તેઓનાં સેમ્પલો લેવાઈ રહ્યા છે અને પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટાભાગનાં નેગેટીવ આવી રહ્યા છે. ભાવનગર શહેરનાં સાંઢીયાવાડ, રૂવાપરી રોડ, વડવા, સીદીવાડ સહિતનાં વિસ્તારો તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ત્યાંનો સર્વે કરીને સંપર્કમાં આવેલા લોકોનાં પરીક્ષણ કરીને રીપોર્ટ કરાવાઈ રહ્યા છે. ભાવનગરમાં આજ દિન સુધી પોઝીટીવનો આંક ૧૬ પર પહોંચ્યો છે જેમાં અગાઉ ર દર્દીના મોત થયા હતા અને ગઈકાલે ૭૦ વર્ષિય દર્દી સાજા થતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. આમ હવે ૧૩ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.