એકને આજીવન કેદ જ્યારે ત્રણને ૧૦ વર્ષની સજા
ભાવનગર, તા.ર૯
ભાવનગરનાં ભરતનગર વિસ્તારમાં આવેલા જી.એમ.ડી.સી. કોર્ટના ખૂલ્લા મેદાનમાં આજથી છ વર્ષ પૂર્વે એસ.ઓ.જી.એ રેડ પાડી નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમ્યાન જાલી નોટ બનાવવાનું કારખાનું પણ ઝડપાયું હતું. આ ચકચારી કેસ આજરોજ ભાવનગરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા તેમજ ગઢડા તાલુકાનાં ઢસાના સ્વામિનારાયણ મંદિરના મહંત સહિત ત્રણ આરોપીઓને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે.
આ નકલી નોટ પ્રકરણનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે પુરાવાને ધ્યાને રાખી મુખ્ય આરોપી ભૂપતભાઈ પોપટભાઈ ઝાપડિયા સામે ઈપીકો કલમ ૪૮૯ (એ), ૩૪, ૧૧૪ મુજબના ગુના સબબ તકસીરવાર ઠરાવી આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂા.રપ,૦૦૦ દંડની ફટકારી છે. જ્યારે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જીતુભા ગોહિલ તથા કાવાભાઈ મેપાભાઈ મેર સામે ઈપીકો કલમ ૪૮૯ (બી), ૩૪, ૧૧૪ મુજબના ગુના સબબ બન્ને આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ તેમજ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી ગુરૂસ્વામી ધર્મવિહારી દાસજી મૂળ નામ અરવિંદભાઈ પોપટભાઈ સાવલિયાને ઈપીકો કલમ ૪૮૯ (બી), ૩૪, ૧૧૪ મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રોકડા રૂા.રપ,૦૦૦નો દંડ સહિતની સજા ફટકારાઈ હતી.
Recent Comments