ભાવનગર, તા.ર૬
ભાવનગર શહેરના નિર્મળનગર-વિઠ્ઠલવાડી રોડ ઉપર ફાયર સ્ટેશનની નજીકમાં આવેલ બાપાસીતારામ ગેસ વેલ્ડિંગ નામની કેબિન ધરાવતા અલ્પેશ રમેશભાઈ કનાડા (ઉ.વ.૪૪, રહે. સીતારામનગર, ભરતનગર, ભાવનગર) નામનો યુવાન સવારે પોતાની ગેસ વેલ્ડિંગની કેબિન શરૂ કરી હતી તે વેળાએ ડીઝલ ટેન્ક લીકેજ સાથેનો ટ્રક વેલ્ડિંગ અર્થે આવતા અલ્પેશભાઈ ડીઝલ ટેન્કનું વેલ્ડિંગ કામ કરતા હતા. તે વેળાએ ધડાકાભેર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની સાથે ટ્રકમાંથી ટાંકી છૂટી પડી અલ્પેશભાઈના છાતીના ભાગે અથડાતા અલ્પેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતા આજુબાજુના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મરણજનાર અલ્પેશભાઈને બે પુત્રો છે જેમાં એક ૮ વર્ષનો અને એક ૬ વર્ષનો છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
ભાવનગરમાં ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

Recent Comments