ભાવનગર,તા.૨૫
ભાવનગરમાં લોકડાઉનની સ્થતિમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણેક દિવસથી શહેરનાં સઘન વાહન ચેકીંગ અભિયાન ચલાવાઇ રહ્યું છે.
જેમાં આજે સવારે માત્ર ત્રણ કલાકમાં જ ૫૦૦ ઉપરાંત દ્વિ-ચક્રી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.આજે સવારથી જ શહેરનાં ઘોઘાગેટ ચોક, ખારગેટ, નવાપરા બોર્ડિંગ સહિતનાં વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ડ્રાઇવ ગોઠવાઇ હતી. જેમાં કારણ વિનાં લોકડાઉનમાં બહાર નિકળતા તેમજ ડબલ સવારી નિકળતા વાહનોને રોકીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અને રસ્તાઓ ઉપર ડિટેઇન કરેલા વાહનોની કતારો લગાવી દિધી હતી.પોલીસે માત્ર ત્રણ કલાકમાં જ શહેરમાંથી ૫૦૦ ઉપરાંત દ્વિ-ચક્રી વાહનો ડિટેઇન કર્યા હતા અને ડબલ સવારીમાં આવેલી મહિલાઓને પોતાના ઘરે જવા માટે વાહનોની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ કેટલીક દુકાનો ખોલવાની તંત્ર દ્વારા મંજુરી અપાઇ હોય લોકો ખરીદી કરવા જતા હોય કે દવા લેવા જતા હોય તેનાં વાહનો પણ ડિટેઇન કરી લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.