(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૯
ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનો કારોબાર ચલાવતા શખ્સને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ આશિષરત્ન કોમ્પ્લેક્ષમાં ભાડાની દુકાન રાખીને મોબાઈલનો વ્યવસાય કરતા જીગ્નેશ ધીંગાણી નામનો શખ્સ નકલી ચલણી નોટ છાપતો હોવાની બાતમીના આધારે ભાવગનરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી ભારતીય ચલણની રૂા.ર૦૦૦, પ૦૦ અને ૧૦૦ના દરની કુલ રૂા.પ૬,૭૦૦ની કિંમતની નકલી નોટો સાથે આરોપી જીગ્નેશને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહી અંગે ભાવનગરના સીટી ડી.વાય.એસ.પી. મનીષ ઠાકરે માહિતી આપી હતી. એસ.ઓ.જી. પોલીસે નકલી ચલણી નોટો, પ્રિન્ટર સહિતની સામગ્રી મળી કુલ રૂા.૧૭ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.