ભાવનગર, તા.૧૬
અઢી વર્ષ પૂર્વે ભાવનગર શહેરમાં પ્રેમી સાથે મળી પતિને શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે મહિલા તથા તેના પ્રેમી સામે ઈપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો સાબિતમાની બંનેને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. પ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હિતેન્દ્રસિંહ જખુભા જાડેજા (ઉ.વ.૩પ, નારેશ્વર સોસયાટી, બોરતળાવ, ભાવનગર)નાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમના નાનાભાઈ દિલીપસિંહ જાડેજાના લગ્ન સોનલબા સાથે ૧ર વર્ષ પહેલાં થયેલાં અને તેમના સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દિલીપસિંહ ગણેશનગર, બજરંગદાસ બાપાની મઢુલી પાસે, અલગ રહેતા હતા. ગત તા.૧પ/૬/ર૦૧૮ના એકાદ વર્ષ પહેલા દિલીપસિંહ સાથે આરોપી બળભદ્રસિંહ ઉર્ફે કાનભા દીલુભા ગોહિલ (ઉ.વ.ર૮, ધંધો, ડ્રાઈવર મૂળ મોરચંદગામ, તા.ઘોઘા, જિ.ભાવનગર હાલ તરસમીયા રોડ, ખારશી, ભાવનગર)વાળા તેમના ભાઈ દિલીપસિંહની પત્નીના ધર્મના ભાઈ તરીકે તેમના ઘરે રહેવા આવેલા હતા આ દરમ્યાન તેમની ભાભી સોનલબા તથા બળભદ્રસિંહને અનૈતિક સંબંધો થઈ ગયેલા જ્યારે દિલીપસિંહ તેમના ઘરે હાજર હોય તે વેળાએ બંને ભાઈ-બહેન તરીકે હતા. જ્યારે દિલીપસિંહ કોઈ કામ સબબ બહાર ગયેલ હોય ત્યારે બંને પતિ-પત્ની તરીકે રહેતા હોય જે અંગેની જાણ દિલીપસિંહને થતા તેમણે તેની પત્ની સોનલબાને આ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે મનદુઃખ થતા તેઓને અવાર-નવાર ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા જેથી આ બાબતની દિલીપસિંહે તેમના ભાઈ હિતેન્દ્રસિંહને કરેલ જ્યારે આરોપી બળભદ્રસિંહે એવી પણ ધમકી આપેલ કે હું સોનલને ભગાડી લઈ જવાનો છું તારે થાય તેમ કરી લેજે તેમ ધમકી આપતા બંને વચ્ચે લડાઈ ઝઘડા થતા અને માનસિક ત્રાસ આપતા હોવાની તેમના ભાઈએ તેઓને કરેલ ત્યારબાદ દિલીપસિંહે તેના પત્ની સોનલબાને ગત તા.૧ર/૩/ર૦૧૮ના રોજ છૂટાછેડા આપી દીધેલ. ત્યારબાદ સોનલબા અને બળભદ્રસિંહ ઉર્ફે કાનભા બંને સુભાષનગર વિસ્તારમાં અલગ રહેવા જતા રહેલા ત્યારબાદ સોનલબા તેના પહેલાં પતિ દિલીપસિંહને અવાર-નવાર ફોન કરી અને પૈસાની માગણી કરી તેમને શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય જેથી કંટાળી જઈ દિલીપસિંહે ગત તા.૬/૬/૧૮ના રોજ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવી ઝેરી દવા પી લેતા દિલીપસિંહને સારવાર માટે સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનાર દિલીપસિંહના ભાઈ હિતેન્દ્રસિંહ જાડેજાએ ઘોઘા રોડ, પોલીસ મથકમાં ઉક્ત બંને આરોપીઓ બળભદ્રસિંહ ઉર્ફે કાનભા ગોહિલ તથા સોનલબા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી (૧) બળભદ્રસિંહ ઉર્ફે કાનભા દિલુભા ગોહિલ (ર) સોનલબા સામે ઈપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે તકસીરવાન ઠરાવી બંને આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.પ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી સોનલબાની સગી માતાએ તેની પુત્રીની વિરૂદ્ધમાં કોર્ટમાં જુબાની પણ આપી હતી.
ભાવનગરમાં પૂર્વ પતિને મરવા મજબૂર કરનાર પૂર્વ પત્ની અને તેના પ્રેમીને ૧૦ વર્ષની કેદની સજા

Recent Comments