ભાવનગર,તા.૬
ભાવનગર શહેરના દેવબાગ પ્રમુખ સ્વામી ફલેટમાં રહેતા વિપ્ર આધેડે ફલેટ વેચાણ કરેલ તેના બાકી નાણાં અંગે ફલેટ ખરીદનાર તથા તેના ત્રણ પુત્ર અને તેની પત્ની, બે અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે આવી ફલેટ ખાલી કરી દે તેમ કહી બોલાચાલી કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડની કોશ તથા એલ્યુમિનિયમના સ્ટેન્ડ વડે માથાના ભાગે મારી ફેકચર કરી બહારથી ફલેટનું બારણું બંધ કરી નાસી છુટયા હતા.
આ બનાવની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના દેવબાગમાં આવેલા પ્રમુખ સ્વામી ફલેટમાં રહેતા વિપ્ર આધેડ પ્રદીપભાઈ (પ્રોવેલ) વસંતરાય શુકલ (ઉ.વ.પ૬)એ તેનો ફલેટ પ્રવિણસિંહ અજીતસિંહ જાડેજાને વેચાણ કર્યો હતો જે ફલેટ વેચાણના રૂા.૪ લાખ પ્રવિણસિંહ પાસે લેવાના બાકી હતા. ગઈકાલે મોડી રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે પ્રવિણસિંહ તથા તેના પત્ની હંસાબા તેના પુત્રો અક્ષદિપસિંહ, કિશન, રવિરાજ અને બે અજાણ્યા ઈસમો પ્રદીપભાઈ ઘરે હતા ત્યારે તેના ઘરે આવ્યા હતા અને ફલેટ ખાલી કરી આપ તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા ત્યારે પ્રદીપભાઈ (પ્રોવેલ)એ કહેલ કે ફલેટ વેચાણના બાકીના ૪ લાખ રૂપિયા મને આપી દો એટલે હું ફલેટનો કબજો તમોને આપી દેવામાં વાંધો નથી તેમ કહેવા તમામ ઉશ્કેરાઈ જઈ ગેરકાયદેસર મંડળી રચી લોખંડની કોશ તથા એલ્યુમિનિયમના સ્ટેન્ડ વતી મુંઢમાર તથા માથામાં મારી ફેકચર કર્યું હતું.
આ દરમ્યાન પ્રદીપભાઈ રૂમમાં તેની સર્વિસ રિવોલ્વર લેવા જતા તમામ ઈસમો બહારથી ફલેટનું બારણું બંધ કરી નાસી છુટયા હતા. પ્રદીપભાઈના બે મોબાઈલ ફોન જોવા મળ્યા ન હતા અને તેથી તે ગેરકાયદેસર ફલેટમાં પુરી દઈ અટકાયત કરતા તેઓ બારીમાંથી કુદી બહાર આવી તેમના મિત્ર હરેશભાઈ કોડિયાની મદદથી સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે પ્રદીપભાઈએ નિલમ બાગ પોલીસમાં પ્રવિણસિંહ સહિત સાત વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે વધુ તપાસ પી.એસ.આઈ. જાડેજાએ હાથ ધરી છે.