ભાવનગર, તા. ર૧
ભાવનગરના જાણીતા બિલ્ડર ટી.એમ. પટેલે જમીનના સોદામાં રૂા.૪૮ લાખની છેતરપિંડી અંગે નિવૃત્ત આર.એફ.ઓ. સહિત પાંચ મોટા માથાઓ સામે ફરિયાદ નોંધાવતાં બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગેની મળતી વિગતો મુજબ ભાવનગરના જાણીતા બિલ્ડર તુલસીભાઈ મુળજીભાઈ પટેલ (ટી.એમ.પટેલ-નારી)એ ભાવનગર વન વિભાગના નિવૃત્ત આર.એફ.ઓ. કે.કે.ભરવાડ, જી.એમ.વાળા, તથા કાવાભાઈ ભરવાડ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયુ છે કે નિવૃત્ત આર.એફ.ઓ. કે.કે.ભરવાડનું જી.એમ.વાળા, કાવાભાઈ ભરવાડે મળી બિલ્ડર ટી.એમ. પટેલને કહેલ કે તેમના હસ્તક ખધેવાડા ગામે બે ખેડૂતોની જમીન છે જે વેચાણથી આપવાની છે. આથી તુલસીભાઈ પટેલે જમીન જોયા બાદ તેમને રસ પડતા ત્રણેયે જમીનના સોદા અંગે વાટાઘાટો માટે જમીનના મૂૂળ ખેડૂત ખાતેદારને બોલાવવાનું કહેતા ખેડૂતો પોપટભાઈ દુધાભાઈ તથા નાનાભાઈ ગાભાભાઈ (હાલ બંને ખેડૂતો અવસાન પામેલ છે)ને સાથે રાખી બેઠક કરી હતી અને જમીનનો સોદો નક્કી થયો હતો. બાદમાં પીલગાર્ડન પાસે આવેલ અનુપમ હોટલમાં આ જમીનના બાનાની રકમ રૂા.૪૮,૩૦,૦૦૦/- ચુકવ્યા હતા.
બાનાની રકમ આપ્યા બાદ નિયત સમય વિતી ગયા પછી તુલસીભાઈ પટેલે ત્રણેની પાસે જમીનનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા પછી કરી આપીશું તેમ કહી વાયદાઓ કરતા અંતે બિલ્ડર તુલસીભાઈ પટેલે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેણે આ તમામ વિરૂદ્ધ ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રહેવર ચલાવી રહ્યા છે. આ ફરિયાદથી શહેરના ખાસ કરીને બિલ્ડર લોબીમાં ભારે ચકચાર જાગી છે.