(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૮
ભાવનગર શહેરમાં આજે એક બુટલેગર સહિત ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્રણેય કેસ અમદાવાદનું કનેક્શન ધરાવે છે. આજે વધુ ત્રણ કેસ સાથે ભાવનગરનો કોરોનાનો આંક ૧૩૯ થયો છે. ઉમરાળાના લંગાળા ગામે રહેતા રાકેશ ખીમજીભાઈ સોલંકી (ઉ.વ.ર૯)ને કોરોનાના લક્ષણો જણાતા તેઓ સીધા અમદાવાદથી ભાવનગર સર.ટી. હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. તેમના સેમ્પલ લઈ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો, તે જ રીતે ભાવનગર શહેરના આરટીઓ રોડ, શિવમ સોસાયટીમાં રહેતા મિલનભાઈ લક્ષ્મણભાઈ કેવડિયા (ઉ.વ.૨૬) નામનો યુવાન અમદાવાદમાં હતો તેમને કોરોના લક્ષણ જણાતા તેમને વાલી સાથે તેઓ સીધા ભાવનગરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જેમના સેમ્પલ લેવાતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગઈકાલે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભાલ પંથકના ભડભીડ ગામના પાટિયા પાસે ઝડપાયેલ ૧૦૮૦ દારૂની બોટલ સાથે ટુરિસ્ટ બસ ઝડપાઈ હતી. આ દારૂના જથ્થા સાથે ઝડપાયેલ ત્રણ આરોપીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ પૈકીના આરોપી જગદીશ ગોવિંદભાઈ પઢિયાર (ઉ.વ.રર) કે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને અમદાવાદના નારોલ ગામના વણઝારા વાસનો રહેવાસી છે, તેનો રિપોર્ટ આજે કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય આરોપીઓને વેળાવદર પો.સ્ટે.માં રાખવામાં આવ્યા હતા. આ કોરોના પોઝિટિવ દર્દીને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ છે. આ બુટલેગરના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓના પણ સેમ્પલ લેવાશે અને તેમને ક્વોરન્ટાઈન કરાય તેવી શક્યતા રહેલી છે.