(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૮
ભાવનગર શહેરમાં તા.૮ને સોમવારે બપોરે ૧રથી ર વાગ્યા સુધીમાં ફક્ત બે કલાકમાં કડાકા ભડાકા સાથે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. આજે સવારથી વાદળ છવાયું વાતાવરણ રહ્યું હતું. આજે બે કલાકમાં ભાવનગરમાં ૮૩ મીમી એટલે કે ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વલ્લભીપુરમાં ૮૬ મીમી, ઉમરાળામાં ૭પ મીમી, ઘોઘામાં ૩૬ મીમી, તળાજા ૮, જેસર ૮, ગારિયાધાર ૩, મહુવા ૩ સહિત ભાવનગરના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. આજે સોમવારે ધાર્મિક સ્થાનો ખુલતાની સાથે જ અનરાધાર વરસાદ પણ વરસ્યો હતો. ભાવનગર શહેર જિલ્લામાં ધાર્મિક સ્થાનો ખૂલ્યા હતા. સાથોસાથ વરસાદ વરસતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીનું કાર્ય પણ શરૂ કરી દીધું છે.