ભાવનગર,તા.૩૦
ગઈકાલે રવિવારે રાત્રીના સુમારે ભાવનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડથી ચાવડીગેઈટ તરફ જવાના માર્ગે બે યુવકોએ એક શખ્સ ઉપર ધડાધડ ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખતા ઘટનાની જાણ થતાં એ-ડિવિ. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સંડોવાયેલા જોગીવાડની ટાંકી અને રાણીકા વિસ્તારમાં રહેતાં બે યુવકોની દેશી તમંચા સાથે તેમજ હત્યામાં વપરાયેલ બાઈક સાથે પોલીસે બંન્ને આરોપીઓન ઝડપી લીધા હતા.
આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના બોરતળાવ, ધોબી સોસાયટી વિસ્તારમાં રહેતા અને ઈસ્કોન ક્લબમાં ધોબી કામનો કોન્ટ્રાક્ટ રાખનાર અબ્દુલવહાબ ફકીરમહંમદ (ઉ.વ.૩૪) નામનો યુવાન ગઈકાલે રવિવારે રાત્રે પોતાની બાઈક ઉપર એસ.ટી. સ્ટેન્ડથી ચાવડીગેઈટના રોડ ઉપરથી મતવાચોક તરફ જઈ રહ્યો હતો. તે વેળાએ ચાવડીગેઈટ પોલીસ ચોકી નજીક તેની ઉપર ધડાધડ ફાયરિંગ થયું હતું. આ બનાવમાં અબ્દુલવહાબને માથાના ભાગે બુલેટ ઘુસી જતાં ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ગંભીર હાલતે સારવાર માટે ખસેડાયેલ જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આબનાવ હત્યામાં પરીણ્મયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ મરણજનાર અબ્દુલવહાબ ફકીરમહંમદની સગી બહેન પાંચ વર્ષથી સાસરિયામાં ઝઘડાના કારણે તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી અને ભાવનગરની કોર્ટમાં તેના પતિ અને સાસરિયા વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. આ ઝઘડો ઘણા સમયથી ચાલતો હતો અને આ ઝઘડાને લઈ મૃત અબ્દુલવહાબના બનેવી રફીકભાઈ તથા તેનો સગો ભાઈ મુસ્તુફા ઘોઘારીએ અબ્દુલવહાબનું કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો. જેમાં ગઈકાલે રવિવારે તેમને સફળતા મળી હતી. આ કામમાં મુસ્તુફા ઘોઘારીની સાથે તોસીફ ઉર્ફે જીંગાએ અબ્દુલવહાબ ઉપર ફાયરિંગ કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ બનાવની એ-ડિવિ. પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા રાણીકા ભાંગના કારખાના પાસે રહેતાં મુસ્તુફા ગફાર રજબ ઘોઘારી તથા જોગીવાડની ટાંકી પાસે કુરેશી મોટર ગેરેજ વાળા ખાંચામાં રહેતાં તોસીફ ઉર્ફે જીંગો દીલાવર બાદલ કુરેશી નામના બે શખ્સોને દેશી તમંચા અને હત્યામાં વપરાયેલ મોટર સાઈકલ સાથે ઝડપી લીધા હતા.
Recent Comments