ભાવનગરમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારાશે અને જિલ્લાની સરહદે ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ, તા.૮
ભાવનગરમાં જિલ્લામાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ભાવનગર જઈને કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ રપ હજાર જેટલા ટેસ્ટ થાય છે. ભાવનગર જિલ્લામાં કેસોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે. તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ ઉપર સ્ક્રિનિંગ સઘન બનાવાશે. જો કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે તેમણે જણાવેલું કે રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે ઈન્જેકશનો પણ પૂરતા પ્રમાણમાં છે. કોરોનાના દર્દીઓના ઈન્જેકશનોની દેશમાં કુલ આયાતમાંથી પપ ટકા ઈન્જેકશન માત્ર ગુજરાતમાં આયાત કરી છે. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. રાજ્યમાં દરરોજ ૨૫ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને ખાસ કરીને સુરતથી આવતા લોકોથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેથી ભાવનગર જિલ્લામાં સુરત અને અમદાવાદથી આવતા લોકોનું ચેકિંગ કરવા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સુરત, અમદાવાદથી આવતા લોકોનું ત્યાં જ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જરૂર પડી તો ત્યાં ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના લક્ષણ ધરાવતા લોકોને અલગ તારવી શકાય અને ગામડાંમાં ફેલાતું સંક્રમણ અટકાવી શકાય.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા રૂપાણી જણાવ્યું કે, આ ઘટના દુઃખદ છે. જેથી સરકારે રાજ્યની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. હાલ તેના પર કામગીરી શરૂ છે. યોગ્ય માપદંડનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
સમીક્ષા બેઠકમાં રૂપાણીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા આવશે. રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત ૧૫ દિવસ સુધી લોકોની તપાસણી થતી રહેશે અને જરૂર જણાય વધુ સારવાર માટે રીફર કરવાની સૂચના આપી છે. રાજ્યની પહેલ એવાં ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ છે. ગુજરાતની આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ સ્ટડી તરીકે લઇ શકાય તે માટે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યું છે.