ભાવનગર, તા.૨૨
ભાવનગરમાં અનલોક પછીનો આંક જૂન મહિનો કોરોના માટે આકરો અને ગંભીર સાબિત થયો છે. જૂન માસના પ્રારંભથી જ બહારથી આવેલા કેસની સંખ્યા સતત વધી રહી છે. સામા પક્ષે અનલોકમાં લોકો પોતે તદ્દન બેદરકાર થઈ જતા લોકલ સંક્રમણ પણ એટલું જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં લોકલ સંક્રમિત કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. આજે પણ ભાવનગર શહેરમાં બે કેસ નોંધાયા છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ભાવગનર જિલ્લામાંં નોંધાયેલા કેસોની સંખ્યા આ સાથે ૧૯૩એ પહોંચી છે તો કુલ કેસોની સંખ્યા સોમવારે બપોરે ૧ સુધીમાં ૧૯૯એ એટલે કે બેવડી સદીથી માત્ર એક કદમ દૂર પહોંચી છે. ભાવનગરમાં આજે નોંધાયેલા બે પોઝિટિવ કેસમાં એક શહેરના ભરતનગર વિસ્તારમાં શિક્ષક સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ મહેન્દ્રભાઈ ત્રિવેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી પાંચ મેના રોજ હૃદયની બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ૮મીએ ડિસ્ચાર્જ થયા હતા. ત્યારબાદ તા.૧૩ અને ૧૭ જૂનના તાવની ફરિયાદ રહેતા બાય દર્દી તરીકે તેમના સેમ્પલ લેવાયેલા જે પોઝિટિવ આવેલ છે. બીજો કેસ આનંદનગરમાં નોંધાયો છે. આ વિસ્તારમાં અપ્પુ ટ્રેડર્સની સામે રહેતા લાલજીભાઈ જેઠાભાઈ જાદવ રસોઈના વાસણોની દુકાન ધરાવે છે. તેમની દુકાન અને ઘર બંને નજીક છે અને તેઓ દુકાને બેસતા હતા. દરમ્યાનમાં કફ અને તાવની ફરિયાદ રહેતા હોસ્પિટલે આવ્યા હતા જ્યાં તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.