ભાવનગર,તા.૧ર
હાલમાં કોરોનાના વધી રહેલા કહેર સામે તંત્ર એલર્ટ મોડમાં છે અને વિદેશી ક્રુ સાથે આવતા શિપને અલંગમાં બર્થ પરમિશન આપવામાં પણ કેટલાક દેશોની બાદબાકી કરાઈ છે. તેવામાં ભાવનગરની હોટેલ એપોલોમાં એક સાથે ર૯ જેટલા વિદેશીઓ મોં પર માસ્ક સાથે પહોંચ્યા હતા. રસ્તા પરથી પસાર થઈ રહેલા જાગૃત મીડિયા કર્મીની નજર જતા આ અંગે જિલ્લા ક્લેક્ટર મકવાણાને ફોન કરી જાણ કરી હતી. આથી ક્લેક્ટરે પણ હાલની સ્થિતીમાં ગંભીરતા સમજી જિલ્લા આરોગ્ય અધિકારીને મેસેજ પાસ કરી તપાસ કરવા જણાવ્યું હતું.
સીડીએચઓ તાવિયાડએ આ બાબત ભાવનગરના આરોગ્ય અધિકારી ડો.સિંહાને જણાવતા મ્યુ. આરોગ્ય ટીમ હોટેલ પર દોડી ગઈ હતી. જો કે વિદેશી નાગરિકો ફિલિપાઈન્સ દેશના છે અને એકાદ વર્ષથી શિપમાં જ હતા. તેમજ અલંગમાં ઉતરતી વખતે નિયમો મુજબ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે સઘળી વિગતો આરોગ્ય તંત્રની તપાસમાં ખુલતા તંત્રવાહકોને હાશકારો થયો હતો.
ફિલિપાઈન્સના નાગરિકો અલંગથી અમદાવાદ જવા નીકળ્યા હતા અને ભાવનગરની હોટેલમાં રિફ્રેશમેન્ટ અર્થે એક કલાકના રોકાણ માટે આવ્યા હતા. બાદમાં જેઓ પોતાના નિર્ધારિત મુકામ પર જવા નીકળી ગયા હતા, જો કે હોટેલ મેનેજમેન્ટ તરફથી વિદેશી નાગરિકોના આગમન અંગે તંત્રને જાણ કરવામાં નહોતી આવી જે નિયમ ભંગ છે.
જો ચીન સહિતના પ્રતિબંધિત દેશના ક્રૂ મેમ્બરો હશે તો અલંગ શીપ યાર્ડમાં એન્કરિંગ કરવા દેવામાં આવશે નહીં
કોરોનાની મહામારી વૈશ્વિક બનતા અલંગમાં વિદેશી ક્રૂ મેમ્બર્સ સાથે આવી રહેલા શિપને એન્કરીંગ આપવામાં તંત્રએ કેટલાક પ્રતિબંધ લાદયા છે જેમાં ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન દેશના નાગરિકો હોય તેમજ ૧ ફેબ્રુઆરી બાદ આ દેશોની મુલાકાત કરી હોય તેવા અન્ય દેશના શિપના ક્રુ મેમ્બર્સ સાથેના એક પણ શિપને ભાવનગર કે અલંગના એન્કરીંગ નહીં આપવા જીએમબીના પોર્ટ કેપ્ટન અરવિંદ મિશ્રાએ પરિપત્ર કરી આદેશ ફરમાવ્યો છે. આ દેશના અથવા તેના સંપર્કમાં આવેલા શિપના ક્રુ મેમ્બર્સને ભારત સિવાય અન્ય કોઈ દેશમાં બદલાવીને આવશે. તો જ એન્કરીંગ પરમિશન મળશે.