ભાવનગર, તા.૧૪
સોમવારની સાંજ સિહોરનાં યુવાનમાં કોરોના વાયરસનાં લક્ષણો જણાતા તુરંતજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ છે. જયારે ભાવનગરમાં બે પોઝીટીવ કેસ મળી કુલ ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા ર૬ પર પહોંચી છે. જયારે ર વ્યકિતઓનાં મૃત્યુ થયા છે. તદ્દઉપરાંત છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ત્રણ વ્યકિતઓ કોરોના વાયરસથી મુકત થતા હોસ્પિટલથી રજા આપવામાં આવી છે.
ભાવનગરનાં સિહોરનાં ૧૦ વ્યકિતઓ વડોદરા નાગરવાડા ગયા હતા. વડોદરાનો આ વિસ્તાર કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે ભાવનગરનાં સિહોરનાં ૧૦ વ્યકિતને તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરી દેવાયા હતા. જે ૧૦ પૈકી સિહોરનાં ઝલુ ચોક વિસ્તારમાં રહેતા યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે ૯ વ્યકિતઓનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે ભાવનગરમાં આઈસોલેશન વોર્ડમાં કોરોના વાયરસનાં પોઝીટીવ દર્દીઓ પૈકી-૩ વ્યકિતઓને ૪૮ કલાક દરમિયાન રજા આપવામાં આવી છે. જેમાં જાહીદા પરવીન રફીકભાઈ નાગોરી તથા ઉસ્માનભાઈ હાસમભાઈ મુલતાની (ઉ.વ.૬પ) સલમાબેન સરફરાઝભાઈ મુલ્તાની (ઉ.વ.ર૯)ને સર.ટી. હોસ્પિટલ ખાતેથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તદ્દ ઉપરાંત અજમેરથી અંતર વેંચવા માટે આવેલા પરીવાર પાસે રહેવાની જગ્યા ન હોવાના કારણે શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા હતા જયા પરીવારનાં સેમ્પલીંગ કરવામાં આવતા અકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે ત્યારે ભાવનગરના સાંઢીયાવાડ ખાતે રહેતાં યુવાન આબીદનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ.