ભાવનગર, તા.૩૦
ભાવનગર શહેર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. મન મૂકીને મેઘલીયો વરસીયો છે. જેમાં ખાસ કરીને ગત મોડી સાંજેથી આજે મંગળવારે વહેલી સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ગામે એક જ રાતમાં ૧૭૧ મીમી એટલે કે ૭ ઈંચ જેટલો વરસાદ વરસતા વલ્લભીપુરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નદી, નાળામાં પણ નવા નીર આવ્યા છે. વલ્લભીપુર તાલુકામાંથી પસાર થતી ઘેલો નદી બે કાંઠે વહી રહી છે.
જ્યારે વલ્લભીપુર બાજુના ઉમરાળા ગામમાં પણ ગત રાતથી આજે વહેલી સવાર સુધીમા ૧૩૪ મીમી એટલે કે પ.પ ઈંચ જેટલો વરસાદ વરસતા ઉરાળમ ગામમાં પણ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉમરાળા તલાુકાના ધોળા, દડવા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર સુપરાધાર વરસાદ વરસ્યો છે.
જ્યારે ભાવનગર શહેરમાં ગત મોડી સાંજથી રાત સુધીમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે. ભાવનગર ઉપરાંત ગઢડા અને બોટાદ પંથકમાં પણ ભારે વરસાદના પગલે નદી નાળા અને ચેકડેમમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે બોટાદ, રોહિશાળા પાટી અને રોહિશાળા ગઢડા રોડમાં ધોવાણ થતા રસ્તા બંધ થયા હતા. આજે વરસાદ આંકડા જોતા ભાવનગર શહેરમાં ર૩ મીમી, ઉમરાળા ૧૩૪ મીમ, તળાજા, ૯ મીમી, ગારિયાધાર ર૧ મીમી, ઘોઘા ૩ મીમી, જેસર ૮ મીમી, પાલિતાણા ૮ મીમી, મહુવા ર૪ મીમી, સિહોર ૩ મીમી, વલ્લભીપુર ૧૭૧ મીમી, વરસાદ વરસ્યો હોવાનું હવામાન ખાતમાંથી જાણવા મળી રહ્યું છે.