(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.રપ
ભાવનગર જિલ્લાના ઘોળા (જં)માં દડવા રોડ ઉપર રહેતા અને તાલુકા શાળા પાસે શાકભાજીની લારી ધરાવતા હરેશભાઈ રવજીભાઈ મકવાણા (ઉ.વ.૩ર) નામનો કોળી યુવાન અન્ય એક યુવાન સાથે આજે સોમવારે વહેલી સવારે બોલેરો પીકઅપ વાનમાં સવાર થઈ શાકભાજીની ખરીદી માટે બાબરા જવા નીકળ્યા હતા તે વેળાએ ઢસાના પેટ્રોલ પંપ પાસે આગળ જઈ રહેલી ટ્રક સાથે બોલેરો કાર અથડાતાં આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ઉક્ત કોળી યુવાનને ઈજા થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બોલેરો કાર ચાલક જીજ્ઞેશ ડાયાભાઈ ડાંગર (રહે.લીંગાળા)ને ઈજા થતાં સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતા રાહુલ લાભુભાઈ સોલંકી (ઉ.વ.ર૦) નામના યુવાનને લાકડિયા પુલ પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં પાલીતાણા ગામે રહેતી દૃષ્ટિબેન અજીતભાઈ મકવાણાએ શરીર ઉપર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતી તેનું મોત નિપજ્યું હતું.