ભાવનગર/સુરેન્દ્રનગર, તા.ર૯
ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને આજુબાજુના ગામોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ગારિયાધારમાં કરા સાથે વરસાદ પડતાં લોકોમાં આંનદ છવાયો છે. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકસાનકારક બની રહેશે કેમ કે, હાલ ઉનાળું પાક જેમાં બાજરી, જાર, અડદ જેવા પાકોને નુકસાન થાય તેવી શક્યતા છે. તેમજ કેરીના પાકને પણ આ વરસાદથી નુકસાન થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચવા પામ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચોટીલા વિસ્તારમાં આવેલા અમુક તાલુકાઓમાં કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો હતો.ખાસ કરી ચોટીલા તાલુકાના રેશમિયાં આણંદપુર રાજપરા ચોબારીની સીમમાં વરસાદી ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી હતી. ત્યારે બીજી તરફ ખેડૂતોના ખેતરમાં પડેલા અને તૈયાર થયેલા ઘઉં, કપાસ, જીરા અને સુકવેલી જારને ભારે નુકસાન થયું છે. ત્યારે ઉનાળામાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.