ભાવનગર, તા.૫
કલેક્ટર કચેરી ભાવનગર ખાતેના આયોજન હોલમાં સાંસદ ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં મહુવા ધારાસભ્ય આર.સી. મકવાણા, તળાજા ધારાસભ્ય કનુભાઇ બારૈયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી, જિલ્લા આયોજન અધિકારી સહિતના તમામ દિશા કમિટીના સભ્યો તેમજ અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.