ભાવનગર, તા.૬
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસપક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવા અંગે તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની સૂચના અનુસાર મહાપાલિકામાં ‘હેલ્લો કેમ્પેઈન’ અને લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે મોબાઈલ એપ હેલ્લો ગુજરાત લોન્ચ કરી હતી. આજે ભાવનગર શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે લોન્ચિંગ કાર્યક્રમમાં એપની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી.
આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ.મ્યુ.વિપક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, ભરતભાઈ બુઘેલિયા, રહીમભાઈ કુરેશી, પ્રવક્તા રામદેવસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાઓને માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે પોતાના વિસ્તારની સમસ્યાઓ જણાવી શકે અને આવનારા પરિવર્તનમાં લોકો પણ ભાગીદાર થઈ શકે તે માટે કોલ કરો અથવા વોટસએપ ઉપર મોબાઈલ નં. ૯૦૯૯૯૦૨૨૫૫ ઉપર પોતાની સમસ્યા અને પ્રશ્નો રજૂ કરી શકશે.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, સત્તાધારી ભાજપ પક્ષની નિષ્ફળતાઓ સામે લોકો આવાજ ઉઠાવી રહ્યા છે. જેમને કોરોના કાળમાં બેડને બદલે ધક્કા મળ્યા હોય, વેન્ટીલેટરને બદલે ધમણ મળ્યા હોય, સરકારી હોસ્પિટલમાં સારવારને બદલે ખાનગી હોસ્પિટલમાં લૂંટાયા હોય, અણધડ વહીવટના કારણે જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા હોય, તેમનો અવાજ બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા હેલ્લો કેમ્પેઈન શરૂ કરાઈ છે.