(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.રપ
ભારે વિવાદાસ્પદ બની ચૂકેલી ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ત્યારે ભાવનગરના રાજપૂત સમાજ અને કરણીસેના દ્વારા આજે ગુરૂવારે ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે આજે સવારથી જ ભાવનગર શહેરની મુખ્ય તમામ બજારો જડબેસલાક બંધ રહેવા પામી હતી.
આજે સવારથી જ ક્ષત્રિય સમાજ, રાજપૂત, સમાજ અને કરણીસેનાના આગેવાન કાર્યકરો ભાવનગરના મુખ્ય બજારોમાં ફર્યા હતા. અને લોકોના ટોળા એકત્રિત થઈ વેપાર ધંધા બંધ રાખવા અપીલો કરતા તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા હતા. જ્યારે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ સહિતનો પોલીસ કાફલો પણ જ્યાં જ્યાં લોકોના ટોળા એકત્રિત થયા હતા, ત્યાં દોડી જઈ ટોળાને વિખેરી નાખયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
ઉપરાંત ભાવનગરના તમામ સિનેમા ઘરો પાસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું હતું. આખો દિવસ લોકોના ટોળા બંધ કરવા માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ભયભીત થયેલા વેપારીઓએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા હતા. જ્યારે ભાવનગર ટુર એન્ડ ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે આજે તમામ ખાનગી લક્ઝરી બસ બંધ રાખવા સૂચના આપતા સવારથી જ અમદાવાદ, મુંબઈ, વડોદરા, સહિતના સ્થળોએ જતી ખાનગી લક્ઝરીઓ અને મીની બસો પણ બંધ રાખવામાં આવી હતી. એસ.ટી. બસો પણ રોકવામાં આવતા ઘણા એેસ.ટી. બસના રૂટો પણ બંધ રહ્યા હતા.
ભાવનગર શહેર ઉપરાંત તળાજા, પાલિતાણા, મહુવા, વલ્લભીપુર, ઘોઘા, બોટાદ, સહિતના તાલુકા મથકોમાં પણ બંધની અસર જોવા મળી હતી. તો પાલિતાણા સહિતના તાલુકા મથકોમાં રેલી પણ નીકળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજ સવારથી જ જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ સહિતનો મસમોટો પોલીસ કાફલો ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં ગોઠવાયો હતો. ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારોમાં ડર અને ઉત્તેજનાનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભયભીત બનેલા વેપારીઓએ આજ સવારથી જ સ્વયંભુ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.