ભાવનગર, તા.૩૧
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાંની મહામારીએ ભરડો લીધો છે. આ મહામારીની સ્પ્રેડ થવાની સંભાવનાનું પ્રમાણ મોટુ છે. કોરોનાની મહામારીનો ચેપ વધારે પ્રમાણ ન ફેલાય તેવા હેતુ સાથે ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓમાં પણ આ મહામારી પેસારો ન કરે તેવા આશય સાથે ભાવનગર જિલ્લા સાત વર્ષથી ઓછી સજા ભોગવતાં કેદીઓને પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા જેલમાં સાત વર્ષથી ઓછી સજા કાપી રહેલા કાચાકામનાં અને પાકા કામનાં કુલ ૬૪ કેદીઓને ૧૪ એપ્રીલ સુધી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ૬૩ પુરૂષ કેદી અને ૧ મહિલા કેદીનો સમાવેશ થાય છે. તદ્દઉપરાંત પેરોલ પર મુક્ત કરવામાં આવેલા ૬૪ કેદીઓને ત્રણ માસનું રાશન લીગલ સેક્રેટરી પી.પી.શાહનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં ભાવનગર જિલ્લા જેલર જે.આર.તરાડેનાં માર્ગદર્શન તળે ધર્મેન્દ્રસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ જાડાયો હતો.