ભાવનગર,તા.૯
ભાવનગર શહેરના શાસ્ત્રીનગર નજીક રિક્ષા અને એક્ટિવા સ્કૂટર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક ભુપતભાઈ વાજા (નિવૃત શિક્ષક, રે. કાળિયાબીડ, ભાવનગર)ને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. આ અંગે ભાવેશભાઈ ભુપતભાઈ વાજાએ રિક્ષાચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે ઘોઘા તાલુકાના વાળુકડ ગામ નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી રિક્ષા નંબર જીજે ૦૪ એવી ર૯ર૦ના ચાલકે રિક્ષા પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી જતા તેમાં બેઠેલ અરૂણાબેન (ઉ.વ.૪પ)ને ગંભીર ઈજાઓ થતાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક અરૂણાબેનનાં પતિ શક્તિસિંહ મનુભા જાડેજા (રે.રાજકોટ) એ રિક્ષાના ચાલક મહેન્દ્રસિંહ ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પાલિતાણા શહેરના તળાવ વિસ્તારમાં રહેતા સાદિકભાઈ ઉસ્માનભાઈ ઘોઘારી (ઉ.વ.ર૦)એ પોતાને કોલ સેન્ટરમાં નોકરી ન મળતા હતાશ થઈ ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.