ભાવનગર,તા.ર૬
સ્ટેટ કંટ્રોલ દ્વારા ફેક્સ સંદેશના પગલે ભાવનગર રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની સુચનાથી ભાવનગર જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં વાહન ચેકિંગ, તેમજ દરિયાઈ વિસ્તારમાં માછીમારોને સાવચેત કરાયા છે.
આ અંગે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનાં પગલે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યને હાલ હાઈએલર્ટ મુકવામાં આવ્યું છે અને સ્ટેટ કંટ્રોલ દ્વારા પ્રાપ્ત થયેલા તાકિદના ફેક્સ સંદેશાને લઈ ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગના આદેશો જે તે પોલીસ અધિકારીને જારી કરી દેવાયા છે. ભાવનગર આઈજી અશોકકુમાર યાદવ અને ભાવનગર જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લાના કોસ્ટલ વિસ્તાર એટલે કે દરિયાઈ પટ્ટી હેઠળના તમામ ગામો ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં એલસીબી અને એસઓજીના કાફલા દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું છે ઉપરાંત જિલ્લાના માછીમારોને સાવચેતી રાખવા સુચિત કરવામાં આવી રહ્યા છે જ્યારે આવતી કાલે બુધવારે આઈજી, તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ કોસ્ટલ એરિયાની મુલાકાત લઈ સમગ્ર વિસ્તારનું જાત નિરિક્ષણ કરનાર હોવાનું પણ જાળવા મળી રહ્યું છે.