ભાવનગર,તા.૩૦
તાજેતરમાં રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી પ્રસિદ્ધી કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં નવા મતદારોમાં વધારો નોંધાયો હતો. હવે ફરી મતદારયાદી સુધારણા માટે આગામી દિવસોમાં બીએલઓ ઘેર ઘેર ફરશે અને નવી યાદી તૈયાર કરશે.
ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી તા.૧થી ર૦ જુન દરમિયાન ૧૮ર૩ બીએલઓ અને ૧૭પ સુપરવાઈઝર મતદારયાદી સુધારણા અંતર્ગત ઘેર ઘેર જઈ મુલાકાતસહ ક્ષેત્રિય ચકાસણી કરશે. બીએલઓ ઘેર ઘેર જઈ મતદારયાદીમાં સુધારા વધારાની નોંધ કરશે અને નવા મતદારોના નામની નોંધ કરશે. ર૦ દિવસ આ કામગીરી ચાલશે. આ ઉપરાંત આગામી તા.ર૧ જુનથી ૩૧ જુલાઈ દરમિયાન મતદાન મથકોનું પુનઃગઠન અને મતદાન મથકોના મકાનોની ભૌતિક ચકાસણી કરાશે. આગામી તા.૧થી ૩૧ ઓગષ્ટ દરમિયાન કન્ટ્રોલ ટેબલ અદ્યતન કરવા પુરવણીઓ તૈયાર કરવી સંકલિત કરવી અને મતદારયાદીનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. આગામી તા.૧ સપ્ટેમ્બરે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરાશે. આગામી તા.૧ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન હક-દાવા અને વાધાં અરજીઓ રજૂ કરવાનો સમયગાળો રહેશે. આગામી તા.૩૦ નવેમ્બરે પહેલાં હક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. આગામી તા.૩ જાન્યુઆરી ર૦૧૯ પહેલાં ડેટા-બેઝ અદ્યતન કરવો અને પુરવણીયાદીનું છાપકામ કરાશે. આગામી તા.૪ જાન્યુઆરી ર૦૧૯ને શુક્રવારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.