ભાવનગર,તા.૧
ભાવનગર શહેર જિલ્લાના પીઢ નેતા અને ભાજપના પાયાના કાર્યકર તથા ભાવનગર જિલ્લાના પૂર્વ સાંસદ મહાવીરસિંહ ગોહિલનું આજરોજ બુધવારે નિધન થયું છે. આજે ભાવનગર નજીકના ગઢુલાના રહેવાસી મહાવીરસિંહની આજે તેમની ઈચ્છા મુજબ અંતિમવિધિ તેમના વતન ગઢુલા ગામે કરવામાં આવી હતી. સમાચાર મળતા ભાજપ અને અન્યપક્ષના નેતાઓ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, જુદી-જુદી સંગઠનના આગેવાનો, કાર્યકરો, ક્ષત્રિય સમાજના આગેવાનો, સ્વ.ના પરિવારજનોએ સાત્વના આપવા તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.
સ્વ.મહાવીરસિંહ ગોહિલ ભાવનગર જિલ્લામાં સન ૧૯૯૧થી ૧૯૯૬ સુધી સાંસદ રહી ચુકેલા અને ભાવનગર જિલ્લાના એક સમયના પ્રમુખપદે પણ તેમણે સેવા આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર જિલ્લાના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.