ભાવનગર,તા.૩
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે આવતીકાલે ગુરૂવાર છેલ્લો દિવસ છે. આજદીન સુધી કુલ ૯૦ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે.
જેમાંથી આજદિન સુધી ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાર, દીલીપભાઈ શેતા (ભાજપના ડમી ઉમેદવાર), વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઘરમશીભાઈ ઘાપા, જન સંઘર્ષ વિરાટ પાર્ટીના રામદેવસિંહ ઝાલા, સમાન અધિકાર પાર્ટીના અમીતભાઈ ચૌહાણ, ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ (અપક્ષ), આંબેડકર રાઈટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નાથાભાઈ બચુભાઈ વેગડ સહિતના ૬થી ૭ ઉમેદવારોએ આજદિન સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. કુલ ૯૦ જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે.
જેમાંથી કોંગ્રેસ, એનસીપી, બસપા સહિતના પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર લીધા છે. પરંતુ હજુ સુધી પોતાની ઉમેદવારી નોંધાવી નથી. કોંગ્રેસમાંથી મનહરભાઈ પટેલે ઉમેદવારી પત્ર લીધું છે પરંતુ હજુ સુધી પક્ષ દ્વારા સત્તાવાર કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે મોડી રાત્રે નામ જાહેર થાય તેમ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના લોકલાડીલા નેતા અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ભાવનગરની લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી આજદિન સુધી ચર્ચા ચાલતી હતી પરંતુ બિહારના જવાબદારીના કારણે તેઓ ચૂંટણી નહી લડે તેવી સ્પષ્ટ કરતા હવે ભાવનગરમાંથી શક્તિભાઈ ચૂંટણી નહીં લડે તેવું ફાઈનલ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનહરભાઈ પટેલની અટકળો તેજ બની છે. આ ઉપરાંત પ્રવિણાબેન વાઘાણી, મનહરભાઈ વાસાણી, ડો.કોરાટ સહિતના નામોની ચર્ચાઓ ચાલે છે. કોંગ્રેસપક્ષે હજુ નામ જાહેર કર્યું નથી.