ભાવનગર, તા.૧૮
ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલના સારા સ્વાસ્થ્ય માટે સામૂહિક દુઆ કરાઈ હતી.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ તથા રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી અને ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલની હાલમાં તબિયત નાદુરસ્ત હોય બંને કોંગી નેતાઓના સારા સ્વાસ્થ્ય માટે ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગર શહેરના હઝરત રોશન ઝમીર શેલારશાપીરની દરગાહ શરીફમાં ખાસ સલાતો-સલામ અને સામૂહિક દુઆનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બંને કોંગી નેતાઓ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેરની બાપેસરાકુવા હનફિયા મસ્જિદના પેશઈમામ શેખ અઝીઝુલરહેમાન સાહેબે ખાસ દુઆ કરી હતી, જેમાં નગરસેવક ઈકબાલ આરબ, કાળુભાઈ બેલીમ, સાજીદ કાઝી, યુનુસ ખોખર, રજાક કુરેશી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન અનવરખાન પઠાણ, અફઝલખાન પઠાણ, ઈલ્યાસ વાળુકડ, ફિરોજ મલેક, તોસીફ પઠાણ, જુલ્ફીકાર વિરાણી સહિતનાએ સારી જહેમત ઉઠાવી હતી.
(તસવીર : ફૈઝલ કાઝી, ભાવનગર)