ભાવનગર, તા.૧૭
હાલના કોરોના મહામારીના કારણે અને લોકડાઉનના સમયમાં લોકો હેરાન પરેશાન છે. આર્થિક રીતે તૂટી ગયા છે. વેપાર-ધંધા છે નહીં હાલની ગરીબી, બેકારી, મોંઘવારીએ માઝા મૂકી છે. સરકાર દ્વારા આવા સમયે લોકોને સહાય આપવાના બદલે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના બેફામ ભાવમાં વધારો ઝીંકાયો છે. જનતાની હાલત સુધરવાને બદલે વધુ પાયમાલ કરવાની ભાજપ સરકારની રીતિ-નીતિના વિરોધમાં અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ રેલી, ઘોડાગાડી, ઘોડા તેમજ પગપાળા નીકળી કોંગ્રેસના આગેવાનોએ ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆત વેળાએ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ભાવ.મ્યુનિ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, પૂર્વ નેતા ભરતભાઈ બુધેલિયા સહિતના આગેવાનો કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા.