ભાવનગર, તા.૧૭
ભાવનગર શહેર જિલ્લામાં જુદા-જુદા પાંચ બનાવો બનવા પામેલ છે. જેમાં શહેરના ભરતનગર, શિવનગર વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલ યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામે રહેતા પ્રવિણભાઈ ધનજીભાઈ સોલંકી ઉ.વ.૩પ નામનો યુવાન માતાનું ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ નિપજ્યા બાદ એકલવાયુ જીવન જીવતા હતા અને માનસિક અસ્થિરતાના કારણે તેમણે ગત મોડી સાંજે ભોજાવદર ગામે આવેલ કાળુભાર નદીના પટમાં આવેલા રેલવેના કુવામાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.
ત્રીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર પીપરલા રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક શાંતિભાઈ ઓઘાભાઈ મકવાણા (ઉ.વ.૪પ) તથા તેમના પત્નીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં શાંતિભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની તળાજા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ધોળા ગામે રહેતી પરણીતાએ ધોળા ગામે પિયરમાં પિતાના ઘરે આવેલી પુજાબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.૧૯)એ કોઈ અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે તેણીને તપાસીને મૃત જાહેર કરેલ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક પુજાબેનના લગ્ન શિહોર ખાતે થયા હોવાનું જાણવા મળી રહેલ છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.આજે સોમવારે મોડી સાંજે મળતા અહેવાલ મુજબ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ધ્રુપકા ગામ નજીક બમ્પ પરથી બાઈક પછડાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને મરણજનાર યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેર/ જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવમાં પાંચ વ્યક્તિનાં મોત

Recent Comments