ભાવનગર, તા.૧પ
આજરોજ તા.૧પ/૭/ર૦ર૦ને બુધવારના રોજ ભાવનગર શહેરમાં ૩૩ અને જિલ્લામાં ર૮ સહિત કુલ ૬૧ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. આજે ભાવનગરમાં પુરૂષ ર૪ અને મહિલા ૯ સહિત ૩ના કોરોના પોઝિટિવ કેસ જાહેર કરાયા હતા. જ્યારે ૧ર દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા સત્તાવાર રીતે દર્દીઓના નામ, સરનામા અને મૃત્યુની વિગતો જાહેર નહીં કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચેમ્બર દ્વારા પણ પોઝિટિવ કેસના નામ, સરનામા જાહેર કરવા માંગ કરવામાં આવી છે. બિનસત્તાવાર રીતે મળેલા અહેવાલ મુજબ આજે બુધવારે બપોરે ૧ર સુધીમાં મરણજનાર ૩ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર અને ત્રણ વ્યક્તિઓના મૃતદેહ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાવાર કોઈ આંકડો મળતો નથી. એક મુસ્લિમ આધેડનું પણ મરણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો જાહેર કરવામાં કોઈ એકમત નથી. ભાવનગરના ધારાસભ્યો, મંત્રીઓ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના આ બાબતે મૌન સેવી રહ્યા છે. સત્તાવાર રીતે આંકડાઓ જાહેર ન થતાં શહેર જિલ્લામાં દિવસભર જાતજાતની અફવાઓ ચાલતી રહે છે.