ભાવનગર, તા.૧૮
ભાવનગર શહેર જિલ્લામાં આજરોજ ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા ૧૭૨ થવા પામી છે. જેમાં ભાવનગર જિલ્લાનો એક જ કેસ છે અન્ય ત્રણ કેસ બીજા રાજ્યોના હોવાનું જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું.
તળાજા શહેરના વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા ઉ.વ.૬૦ નામના વૃદ્ધા તાજેતરમાં અમદાવાદથી તળાજા આવ્યા હતા આજે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે તા.૧૬ના રોજ અમદાવાદથી ભાવનગર આવેલા વિઠ્ઠલવાડીમાં રહેતા ભાસ્કરભાઈ પોપટભાઈ મકવાણા ઉ.વ.૫૫ને ગઈકાલે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં તેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત શીપમાં આવેલા બે ક્રુ મેમ્બર મહારાષ્ટ્રના સુરજકુમાર અનિલભાઈ ગુપ્તા અને ઓરિસ્સાના બીકેશકુમારને કોરોન્ટાઈન કરાયા હતા. જે બન્ને યુવાનો ક્રુ મેમ્બરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આમ વિઠ્ઠલવાડીના ભાસ્કરભાઈનો કેસ અમદાવાદમાં અને શીપના બન્ને ક્રુ મેમ્બરોના કેસ અન્ય રાજ્યોમાં ગણાશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.