(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૭
અરવલ્લી જિલ્લાના ભિલોડાના કુશાલપુરા ગામના ૭૦ વર્ષીય વૃદ્વાનું કોરોનાના કારણે મોત થતા ચકચાર મચી ગઇ છે.
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે કુશાલપુરા ગામમાં સહીત આજુબાજુના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથધરી તમામ લોકોનું થર્મલસ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે વૃદ્ધાના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવા તજવીજ હાથધરી છે વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપનાર હિંમતનગર ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ હોમકોરન્ટાઈન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
લોકડાઉન ના કડક અમલના દેખાડા વચ્ચે કેટલાય લોકોએ અન્ય જિલ્લામાંથી મોડાસા તેમજ અરવલ્લીના અન્ય તાલુકામાં પ્રવેશ કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના નગરોમાં કોરોનાએ હજુ પગપેસરો કર્યો નથી ત્યારે જિલ્લાની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઇની પણ શેહશરમ કે દયા રાખ્યા વિના તમામની એન્ટ્રી બંધ કરવી જોઇએ.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોરોના દર્દીનું મોત થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.ભિલોડામાં પણ કેટલાય લોકો કોરોના હોટ સ્પોટ જાહેર થયેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી તેમજ અન્ય રાજ્યો માંથી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ત્યારે તંત્ર ભિલોડા તાલુકાના તમામ લોકોની ટેસ્ટીંગ કરી આ તાલુકામાં કોરોના દર્દીઓ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઊઠી છે.