(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.ર૮
હિંમતનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઈ રહેલા અને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બાવળિયા ગામના ૩૧ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલની લાશ તેના વતનમાં ઘર પાછળ રહેલા આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા મૃતક યુવકના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ભિલોડા તાલુકાના બાવળિયા ગામે રહેતા સંદેશ કુમાર વકસીભાઈ જોષિયારા નામનો યુવક પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થતાં હાલ હિંમતનગર ખાતે ટ્રેનિંગ ચાલી રહી હતી. યુવકની પત્ની ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ત્યારે હિંમતનગર ખાતે ટ્રેનિંગ લઈ રહેલા યુવકે અગમ્ય કારણોસર વતન બાવળિયા પહોંચી તેના ઘર પાછળ રહેલા આંબાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. મૃતક યુવકના પરિવારજનોએ હિંમતનગર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ટ્રેનિંગ લઈ રહેલ પુત્રની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ હતભ્રત બની ગયા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા. આ ઘટનાની જાણ ભિલોડા પોલીસને કરતા તાબડતોડ ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક પોલીસ કર્મચારીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ટ્રેનિંગ લઈ રહેલ સંદેશ જોષિયારાની લાશ ઘર પાછળ રહેલા આંબાના ઝાડની ડાળી સાથે લટકતી હાલતમાં મળી આવતા તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. મૃતક યુવકના પરિવારજનો પણ સંદેશનું આત્મહત્યા કરવાનું કોઈ કારણ ખબર પડતી નથી. હાલ તો મૃતક પોલીસકર્મીના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.