મોડાસા, તા.ર૦
ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામે રહેતા ધુળા નાથાભાઈ તરાર (ઉં.વર્ષ-૫૮) દારૂ પીવાની ટેવ હતી. ધુળાના દારૂ પીને અવાર નવાર પરિવાજનો સાથે ઝગડા થતા હતા. ધુળો દારૂના નશામાં તેની પત્ની લીલાબેનને મારઝૂડ કરતો હોવાથી તેનો પુત્ર દિનેશે તરાર માતા સાથે મારઝૂડ ન કરવા વારંવાર સમજાવવા છતાં પિતાની માતા સાથે મારઝૂડ યથાવત રહેતા પિતાની ટેવથી કંટાળી ગયેલ પુત્રએ પિતાને ઘાતક હથિયારના ઘા મારતા ઘટનાસ્થળે જ પિતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પુત્રએ જ પિતાની હત્યા કરતાં માતા પણ ચોકી ઉઠી હતી. હત્યાના પગલે આજુબાજુથી પરિવારજનો અને લોકો દોડી આવતા હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો. લીલાંબેન માટે પતિની દારૂ પીવાની લતના લીધે પુત્રએ જ પિતાની હત્યા કરતા દારૂની બદીને પગલે માથાનું સિંદૂર ભુંસાયું હતું અને પુત્રને જેલમાં જવાનો વારો આવતા ઘડપણનો સહારો ઝુંટવાઈ ગયો હતો. ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
ભિલોડા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે હત્યારા પુત્ર દિનેશ તરાર વિરૂદ્ધ ગુન્હો નોંધી ફરાર હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.