મોડાસા, તા.ર૦
મોડાસાના કુડોલ (ઘાંટા) ગામે ૪૨ વર્ષીય યુવકની હત્યા તેના ભાઈ અને ભત્રીજાઓએ કરી દીધી હોવાની ઘટનાની શાહી સૂકાઈ નથી. ત્યારે વધુ એક હત્યાની ઘટના ભિલોડા તાલુકાના મહુડિયાદેરા ગામે બની છે, જેમાં ૮૫ વર્ષીય વૃદ્ધની જમીનમાં નળિયાના રસ્તાને લઈને તેના સગા ભાઈ અને ૪ ભત્રીજાઓએ મળી ગડદાપાટુનો મારમારી હત્યા કરી ફરાર થઈ જતાં હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વૃદ્ધની લાશને પીએમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભિલોડાના મહુડિયોદેરા ગામે સુકાજી રામજીભાઈ મોરી તેમની પત્ની સાથે ખેતીકામ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. શુક્રવારે ૯ વાગ્યાના સુમારે જમીનમાં નળિયાના રસ્તા બાબતે તેમના સગા ભાઈ કાનજી રામજીભાઈ મોરી અને તેમના પુત્રોએ સુકાજી મોરી સાથે ઝઘડો કરી ગડદાપાટુનો મારમારી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી હતી, હત્યાની ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા. હત્યાની ઘટનાને અંજામ આપી ૫ હત્યારાઓ ઘટનાસ્થળેથી રફૂચક્કર થઈ ગયા હતા. હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ભિલોડા પોલીસે મૃતક વૃદ્ધની પત્ની અમરીબેન સુકાજી મોરીની ફરિયાદના આધારે (૧) કાનાજી રામાજી મોરી, (૨) અર્જુનભાઈ કાનાજી મોરી, (૩) રમેશભાઈ કાનાજી મોરી, (૪) જગદિશભાઈ કાનાજી મોરી, (૫) ઈશ્વરભાઈ કાનાજી મોરી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.