(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૭
ભિલોડા તાલુકાના ઓડ ગામના અને ભેટાલી ગ્રામ પંચાયતમાં નિયમિત અને વાંકાનેર ગ્રામ પંચાયતમાં ચાર્જ ધરાવતા તલાટી મહેન્દ્રભાઈ જીવાજી અસારીની વાંકાનેર પંચાયત ઘરમાં પંખે દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી હતી. મૃતક તલાટીના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળતા આત્મહત્યા કે હત્યા થઈ હોવાનું રહસ્ય ઘૂંટાયું હતું. તલાટીના પરિવારજનોએ ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એટીડીઓ રાકેશ પટેલ (રહે.ટંકાટૂંકા)એ હત્યા કરી તલાટીની લાશને પંખા પર લટકાવી બહારથી ગ્રામ પંચાયતનો દરવાજો બંધ કરી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને એટીડીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેની માંગ સાથે અડગ રહેતા મૃતક તલાટીની લાશ સ્વીકારવાનો નનૈયો ભણતા ભિલોડા પોલીસે આખરે મૃતક તલાટીની પત્ની કૈલાશબેન મહિન્દ્રભાઈ અસારીની ફરિયાદના આધારે તાલુકા પંચાયત ભિલોડામાં એટીડીઓ તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલ (રહે.ટાકાટૂંકા, ભિલોડા) વિરૂદ્ધ ઇપીકો કલમ-૩૦૨ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.